પાછલી ઉંમરે સમાધાન એ જ સુખની માસ્ટર-કી બને છે
સમાધાન અને ફૅન્ટસી આપણી ઉંમરને ભલે વધારતાં ન હોય, પરંતુ આપણી વધતી ઉંમરને થોડોક વખત પકડી તો રાખે જ છે
આપણી ઉંમર નક્કી કરવાનું એક નવું કોષ્ટક જડી ગયું છે. જો આપણે પુરુષ હોઈએ અને કોઈ પણ નિર્ણય તાકાતથી, બળથી લેતા હોઈએ તો આપણી ઉંમર અઢારથી ચાળીસ વર્ષની વચ્ચેની હશે. જો આપણે કોઈ પણ નિર્ણય બુદ્ધિથી, ઠરેલી સૂઝથી લેતા હોઈએ તો આપણી ઉંમર ચાળીસથી પાંસઠ વર્ષની વચ્ચેની જ હશે. જો આપણે સ્ત્રી હોઈએ અને જગતને-સંસારને સૌંદર્યથી વશમાં કરવાનો પ્રયત્ન કરતાં હોઈએ તો આપણી ઉંમર અઢારથી ચાળીસ વર્ષની વચ્ચેની હશે. જો આપણે દુનિયાને ઉદારતાથી વશમાં કરવા પ્રયત્ન કરતાં હોઈએ તો આપણી ઉંમર ચાળીસથી સાઠ વર્ષની વચ્ચેની હશે.
સમજાયુંને? બળ કરતાં કળમાં વધારે ભરોસો પડવા માંડે એટલે સમજી જવું કે હવે આપણી યુવાનીનાં વળતાં પાણી થવા માંડ્યાં છે : આ કોષ્ટક પુરુષોને લાગુ પડે છે. સૌંદર્ય કરતાં ઔદાર્યમાં ઝાઝો ભરોસો પડવા લાગે તો સમજી જવાનું કે હવે આપણી યુવાની ગુડબાય કરી રહી છે : આ કોષ્ટક મહિલાઓને લાગુ પડે છે.
પુરુષને અઢાર વર્ષની ઉંમર પહેલાં તથા મહિલાને સોળ વર્ષની ઉંમર પહેલાં કોઈ નિર્ણય સ્વેચ્છાએ કરવાનો લગભગ નથી હોતો. એ જ રીતે સામાન્ય સંજોગોમાં પુરુષે પાંસઠ વર્ષ પછી અને સ્ત્રીએ સાઠ વર્ષ પછી કોઈ સ્વતંત્ર નિર્ણય કરવાનો હોતો નથી.
યુવાનીમાં પુરુષને કંઈક અચીવ કરીને પદ્મશ્રી, ભારતરત્ન બનવાનાં ખ્વાબ હોય છે પણ ઢળતી ઉંમરે તેને સમયસર પેન્શન મળે એટલાથી સંતોષ થવા માંડે છે. યુવાનીમાં ૧૦૦૦ મીટરની દોડમાં અવ્વલ નંબરે આવવાનું ઝનૂન હોય છે અને ઢળતી ઉંમરે જૉગિંગ પાર્કમાં એકાદ ચક્કર ચાલવા જેટલું સામર્થ્ય પણ ઇનફ લાગે છે.
યુવાની આથમી ગયા પછી દરેક વ્યક્તિ માટે આત્મછલનાનો તબક્કો શરૂ થઈ જતો હોય છે. જગતને છેતરવાનું તો હવે પૉસિબલ નથી હોતું, પણ જાતને સતત છેતરતા રહેવું પડે છે. માથામાં થોડાક સફેદ વાળ જોઈને અજંપો થાય છે, છતાં હજી ઘણા વાળ કાળા પણ છે એ બાબતનું આશ્વાસન જાતે-જાતે લઈ લેવું પડે છે. દીકરો અને વહુ રાત્રે બહાર જતી વખતે કહે છે કે અમારે પાછાં આવતાં મોડું થશે એટલે તમે સૂઈ જજો, દરવાજાની ચાવી અમારી પાસે રાખી છે, ડોરબેલ વગાડીને તમારી ઊંઘ ડિસ્ટર્બ નહીં કરીએ. આપણે તેમને પૂછવું છે કે બેટા, તમે ક્યાં જાઓ છો? આપણે તેમને સલાહ પણ આપવી છે કે મોડી રાત સુધી બહુ રખડશો નહીં અને વાહન ધીમે-ધીમે સંભાળીને ચલાવજો અને હા, ડ્રિન્ક્સ કરીને ડ્રાઈવ કરશો નહીં... પણ એ પહેલાં તો ઘરનો દરવાજો બંધ કરીને દીકરાએ બહારથી લિફ્ટનું બટન દબાવી દીધું હોય છે. ત્યારે પણ આપણે જાતને છેતરવી પડે છે અને સમાધાન કરવું પડે છે કે આપણાં દીકરો-વહુ એટલાં તો સારાં છે કે તેઓ રાત્રે મોડાં આવવાનાં છે એટલું તો કહીને જાય છેને!
નવી ફિલ્મોમાં ઢીંચક-ઢીંચક ગીતો સાંભળીને આપણું દિમાગ છટકે છે. ક્યારેક કોઈકની DJ પાર્ટીમાં જવાનું થાય તો પનિશમેન્ટ વેઠવા જેવું લાગે છે. એવા વખતે ફરી પાછું આપણે પોતાની જાતને છેતરવાનું શરૂ કરી દઈએ છીએ: હજી આજેય ટીવી પર B4U મ્યુઝિક-ચૅનલ પર ‘આવાઝ દે કહાં હૈ’ અને મસ્તી ચૅનલ પર ‘ધ ગોલ્ડન ઈરા વિથ અન્નુ કપૂર’ તથા ‘રાત કે હમસફર’ જેવા કાર્યક્રમોમાં જૂનાં ગીતો સાંભળવા મળે છે. ઝી-સલામ ચૅનલ પર પણ ‘સદાબહાર નગ્મે’, ‘કવ્વાલી’ અને ‘મુશાયરા’-‘મેહફિલ’ના કાર્યક્રમો જોવા મળે છે એનું આશ્વાસન ખાસ્સી ટાઢક આપે છે.
આપણને અઢીસો પૉઇન્ટ ડાયાબિટીઝ રહે છે એ ખરું, પણ ફલાણા ભાઈને તો ચારસો પૉઇન્ટ ડાયાબિટીઝ રહે છે એનું આશ્વાસન આપણને શોધી કાઢતાં આવડે છે.
ઘણી વખત તો આશ્વાસન મેળવતી વખતે કઈ ક્ષણે આપણે ફૅન્ટસીમાં સરકી જઈએ છીએ એનુંય આપણને ભાન રહેતું નથી. જાત સાથે આપણે સંવાદ કરવા લાગીએ છીએ કે એક જમાનામાં હું દસ લાડવા ખાઈ શકતો હતો... વીસ ગુલાબજાંબુ તો રમત-રમતમાં ખાઈ જતો હતો અને એ દિવસે મારા સાળાએ ચૅલેન્જ કરી ત્યારે એકસાથે ફ્રૂટ-સૅલડના પંદર વાડકા ગટગટાવી ગયો હતો હું! શત્રુંજ્યની યાત્રા કરવાની હોય તો આજે ભલે ડોળીમાં બેસવું પડતું હોય, પણ ભૂતકાળમાં માત્ર ચાળીસ મિનિટમાં ડુંગર ચડી જતા હતા એનો રોમાંચ માણવાનું ગમે છે. આજે ભલે મુંબઈ સેન્ટ્રલના સ્ટેશને દાદરા ચડવાનું અઘરું લાગતું હોય, પણ એક જમાનામાં આપણે મુંબઈ સેન્ટ્રલથી મરીન લાઇન્સ સુધી આસાનીથી ચાલી શકતા હતા! મૅરેજ પછી ફસ્ર્ટ નાઇટ વખતે પત્ની સાથે ચાર વખત સેક્સ એન્જૉય કયુર્ હતું... અને એ દિવસે જુહુ બીચ પર એક મવાલીએ મારી વાઇફની જરાક છેડતી કરી ત્યારે મેં તેનાં હાડકાં ભાંગી નાખ્યાં હતાં!
આવી ફૅન્ટસી આપણી ઉંમર ભલે ન વધારતી હોય, પણ આપણી વધતી ઉંમરને થોડીક ક્ષણો માટે ઝાલી રાખે છે! જીન્સનું પૅન્ટ અને ટી-શર્ટ પહેરવાથી આપણા ઘૂંટણનો દુ:ખાવો ભલે મટી નથી જતો, પણ એ દુ:ખાવો થોડીક વાર માટે ભૂલી જરૂર શકાય છે!
ક્યારેક જાત-જાતની કમ્પેરિઝન કરીને પાછલી વયે દિલ બહેલાવ્યા કરવું પડે છે. આપણાં લગ્ન થયાં ત્યારે ટોટલ દસ હજારનો ખર્ચ થયો હતો અને એ વખતે ત્રણ હજાર ઉછીના લીધા હતા. આજે બધા દાંત પડી ગયા છે અને ડેન્ચર કરાવવા માટે ટોટલ ત્રીસ હજાર ખર્ચવા પડ્યા તોય એક પૈસોય ઉછીનો લેવા જવું નથી પડ્યું! સ્ત્રીઓ પણ પાછલી વયે મજાનાં આશ્વાસનો શોધી કાઢે છે. હું સાસરે આવી ત્યારે મારે તો લાંબા ઘૂમટા તાણવા પડતા હતા અને સાસુની પરમિશન લીધા વગર બહાર જવાનું તો ઠીક, પાણી પીવાનુંય પૉસિબલ નહોતું; પણ મેં તો મારી પુત્રવધૂને બધી છૂટછાટ આપી દીધી છે, તેની લાઇફ પર આપણે શા માટે અધિકારો ભોગવવાના! આવું આશ્વાસન મજબૂર દિલને મજબૂત કરતું હોય તો એમાં કાંઈ ખોટું નથી!
પાછલી ઉંમરે અજંપો કર્યા કરવો એના કરતાં આશ્વાસનની આંગળી પકડી લેવામાં ડહાપણ છે . આપણે આ જગતમાં આવ્યા એ પહેલાંય આ જગત હતું જ અને આપણે ચાલ્યા જઈશું ત્યાર પછીયે આ જગત તો રહેશે જ. એટલે જગત દરેક વાતમાં આપણને અનુકૂળ થાય એવી અપેક્ષા ન રખાય, આપણે જ જગતને અને સમયને અનુકૂળ થઈ જવું પડે. આ માત્ર સમાધાન નથી, સુખી થવાની માસ્ટર-કી છે.
શ્યલ સાયન્સ - રોહિત શાહ