પાછલી વયે સંગાથની ઝંખના
રજનીશજીએ કહ્યું છે : ‘પ્રેમમાં હોવું એટલે બાળક રહેવું.’ પ્રેમમાં પડેલી વ્યક્તિ કોઈ પણ ઉંમરે બાળકની જેમ જીવનમાંથી રોમાંચ મેળવવા ઉત્સુક રહે છે. સાઠ-સિત્તેરની વય વટાવી ચૂકેલાં સ્ત્રી-પુરુષો માટે આ વાત વધારે મહત્ત્વની છે. એ ઉંમરે જીવનની દોડધામ રહી ન હોય, મનના આવેગો શાંત થયા હોય, સંતાનો એમનાં જીવનમાં વ્યસ્ત થઈ ગયાં હોય. આ બધાંને કારણે વરિષ્ઠ લોકો એકલાં થઈ જાય છે. એમાં પણ જીવનસાથીએ વિદાય લઈ લીધી હોય તો એ પીડા વધારે તીવ્ર બને છે. તબીબી ક્ષેત્રમાં થયેલી નવી શોધોને કારણે આયુષ્યનાં વર્ષો વધ્યાં છે. વરદાન જેવી આ સ્થિતિ એકલાં જીવતાં લોકો માટે અભિશાપ જેવી પણ બને. ત્રણેક વર્ષ પહેલાં યુ.એસ.માં સિનિયર સિટિઝન્સનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગની વ્યક્તિઓએ પાછલી ઉંમરે એકલા હોવાની વેદના વ્યક્ત કરી હતી. માનસશાસ્ત્રીઓના તારણ પ્રમાણે, આ વયમાં એકલતા શારીરિક અને માનસિક તંદુરસ્તી પર નકારાત્મક અસર કરે છે. સર્વેક્ષણમાં ઘણાં એકલાં વૃદ્ધ સ્ત્રી-પુરુષોએ કોઈના સાથની ઝંખના વ્યક્ત કરી હતી. ખાલીપાના લાંબા લાંબા કલાકોમાં કોઈ એમની સાથે હોય, કોઈ એમને પ્રેમ અને હૂંફ આપી શકે, એમની માનસિક જરૂરિયાતો સમજી શકે, તો જીવવું અકારું ન લાગે. યુ.એસ. અને પશ્ચિમના દેશોમાં સંતાનો બહુ વહેલાં માતા-પિતાથી અલગ થઈ સ્વતંત્ર જીવન જીવવા લાગે છે. મા-બાપ એકલાં પડી જાય છે. એમની સભ્યતામાં આ સમસ્યા જેટલી વિકટ છે, તેટલી કદાચ કુટુંબજીવનમાં આસ્થા રાખતી સભ્યતામાં ન પણ હોય. જોકે ભારતમાં પણ સંયુક્ત કુટુંબની પ્રથા અદૃશ્ય થવા લાગી છે ત્યારે એ પરિસ્થિતિ સામે આવી રહી છે. કોઈ વ્યક્તિ મોટી ઉંમરે પ્રેમમાં પડે એ વાત પરિવારમાં કે સમાજમાં સહજતાથી સ્વીકારાતી નથી. સામાન્ય રીતે લોકો પ્રેમ અને સેકસને જોડે છે. મોટી ઉંમરના પ્રેમને સેક્સ સાથે ઝાઝો સંબંધ હોતો નથી. એમાં લાગણીના સ્તરે નિકટતાની તરસ હોય છે. કોઈક એમની લાગણીઓને સમજે, હૂંફ આપે, ખાલી સમયને પ્રસન્નતાથી ભરી દે એવી અપેક્ષા વૃદ્ધોને એકબીજાં પ્રત્યે ખેંચે છે. તેમ છતાં એ દિશામાં આગળ વધતાં ખચકાય છે. એવો સંબંધ વિકસ્યો હોય તો ખાનગી રાખે છે, જાણે મોટો ગુનો થયો હોય કે એ પાપ હોય. થોડાં વર્ષ પહેલાં અમરિકાનાં મહિલા ડોક્ટર સ્ટેસી ટેસ્લેર લિન્ડાઉની ક્લિનિકમાં એક વિધવા આવી. એણે ડોક્ટરને કહ્યું કે એ હોસ્પિટલમાં હોય એ દરમિયાન એને કશું થાય તો એનાં સંતાનોને જાણ કરવી નહીં, પરંતુ એના પ્રેમીને જણાવવું. મહિલાના પરિવારને ખબર જ નહોતી કે કોઈ વ્યક્તિ માના જીવનમાં છે. આ વિશે ડો. લિન્ડાઉએ પછીથી કહ્યું હતું : ‘એ મહિલાનો પતિ પ્રમાણમાં વહેલો અવસાન પામ્યો હતો. એ ઘણાં વર્ષોથી વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. ત્યાં એની જેમ એકલતાનો શિકાર બનેલા વિધુર પુરુષના સંપર્કમાં આવી. એમણે એકબીજાંમાં પાછલી વયમાં પ્રેમ આપે એવી વ્યક્તિને જોઈ, બધાંથી નજર બચાવી પ્રેમ કરતાં રહ્યાં. સંતાનોએ એને છોડી દીધી એ વાતે મહિલા ખૂબ નારાજ હતી. એથી એ એના ખબર સંતાનોને નહીં, જીવનસંધ્યામાં સૌથી નિકટ વ્યક્તિને આપવા માગતી હતી.’ કેન્ટ હારુફની અત્યંત સંવેદનશીલ નવલકથા છે : ‘અવર સોલ્સ એટ નાઇટ’. એના પરથી સુંદર ફિલ્મ પણ બની છે. એના વિશે મેં અગાઉ લખ્યું છે, પરંતુ મોટી ઉંમરે હૂંફની આવશ્યકતાના વિષયમાં એ નવલકથા ફરી યાદ આવી. વૃદ્ધ વિધવા એડી મૂર નાનકડા શહેરના શાંત વિસ્તારમાં એના મોટા ઘરમાં એકલી રહે છે. દીકરો બીજાં શહેરમાં દૂર રહે છે. રાતે ઊંઘ આવતી નથી. મોડી રાત સુધી જાગતી પડી હોય. રોજ ઊંઘની ગોળીઓ લેવી પડે છે અને બીજો દિવસ બહુ ખરાબ જાય છે. એ કોઈનો સંગાથ ઇચ્છે છે. બહુ વિચાર કર્યા પછી એડી પડોશમાં રહેતા એના જેવડા જ વિધૂર લૂઈસ વોટરસને મળવા જાય છે. એને કહે છે : ‘તમને રાતે મારા ઘેર આવી સૂવાનું ફાવે?’ લૂઈસ ડઘાઈ જાય છે, પરંતુ એડી તરત જ સ્પષ્ટતા કરે છે કે એના મનમાં સેક્સનો ખ્યાલ નથી. આ ઉંમરે એ એમાંથી બહાર આવી ગઈ છે. એને તો એની ભયાનક એકલતામાંથી બહાર નીકળવું છે. એડી જેવી જ એકલતાનો સામનો કરતો લૂઈસ રોજ રાતે એડીને ઘેર જવાનું શરૂ કરે છે. એમાંથી બંને વચ્ચે અદ્્્ભુત સંબંધ વિકસે છે, જે પાછલી વયમાં બંનેનો આધાર બને છે. વૃદ્ધાવસ્થાની એકલતાનાં અન્ય કારણો પણ હોય છે. એવી ઘટનાઓ નવલકથા અને ફિલ્મોમાં પણ દર્શાવાઈ છે. નિકોલસ સ્પાર્કસની નવલકથા ‘ધ નોટબુક’ બે વૃદ્ધ પતિ-પત્ની પાત્રો નોઆહ અને એલીની પ્રેમકથા છે. લાંબા પ્રસન્ન દાંપત્યજીવન પછી એમનાં જીવનમાં કટોકટી ઊભી થઈ છે. એલીને અલ્ઝાઈમર છે. એ નર્સિંગ હોમમાં સારવાર લે છે. નોઆહ પત્નીની યાદદાસ્ત પાછી લાવવા રોજ એમના જીવનની ઘટનાઓ સંભળાવે છે. એલીને કશું જ યાદ નથી. એ માને છે કે નોઆહ બીજાની પ્રેમકથા કહે છે. નોઆહ એનો પતિ છે, તે પણ એ વીસરી ગઈ છે. પત્ની સામે જ હોય, છતાં એને ઓળખતી ન હોય એ કેવી વિડંબના. સ્મૃતિ ગુમાવી બેઠેલી એલી તો એમાંથી બહાર છે. એવું જ કંઈક ફ્રેન્ચ ફિલ્મ ‘આમોર’માં બને છે. પતિએ લકવાગ્રસ્ત વૃદ્ધ પત્નીની એકલા હાથે સારવાર કરવી પડે છે. એ પોતે વૃદ્ધ છે, એનું પણ શરીર બરાબર કામ કરતું નથી. એ અપંગ પત્નીનું શારીરિક દુ:ખ સહન કરી શકતો નથી. તેમ છતાં પ્રેમ એમને બળ આપે છે. દાંપત્યજીવનની સ્મૃતિઓ વૃદ્ધાવસ્થામાં જીવનનો આધાર બને છે. નેવું વર્ષના એક પુરુષે એની મૃત પત્નીને યાદ કરતાં એ લોકો પહેલી વાર મળ્યાં એ ઘટનાની વાત કરી છે. ‘મેં પહેલી વાર એને ટ્રેનમાં જોઈ હતી. હું એને ફરી મળવા માગતો હતો. એ માટે મારી પાસે એક જ ઉપાય હતો. મેં એની હેન્ડબેગ ચોરી લીધી અને થોડા દિવસ પછી એને એ હેન્ડબેગ પાછી આપવા ગયો. ત્યારથી શરૂ થયેલી અમારી પ્રેમકથા જીવનભર ચાલી. હવે એને મળવા માટે હું એની હેન્ડબેગ ચોરું, તો પણ એ મને મળવાની નથી, એ હું જાણું છું.’ ⬛
vinesh_antani@hotmaill.com